વાર્તા - ત્રિલોચન ભટ્ટ - Gujarati Story - Trilochan Bhatt
- Get link
- X
- Other Apps
પ્રહલાદને હવે પોતાનો કાળ નજર સમક્ષ દેખાઈ રહ્યો હતો. એક ખિજાયેલી સિંહણ તેની સામે ઘુરકિયાં કરી રહી હતી. રાતનો બે વાગ્યાનો સમય હતો, દૂર દૂર સુધી ગીરનું સુમસામ જંગલ હતું, એક તેની મારુતિ અલ્ટોની હેડલાઇટ અને પૂનમના ચંદ્રમા સિવાય બીજો કોઈ પ્રકાશ દૂર દૂર સુધી નહોતો. સિંણહણનાં પાંચેય બચ્ચાઓ હજુ પણ રોડ ઉપર બેસીને હરણનું તાજું માંસ ખાઈ રહ્યા હતા, પણ સિંહણ તેમને છોડીને પ્રહલાદ જ્યાં પૂતળું બનીને ઉભો હતો ત્યાં ધીમે, પણ મક્કમ પગલે આવી રહી હતી. હાથમાં DSLR કેમેરો જેમનો તેમ હતો અને પ્રહલાદને સમજાતું નહોતું કે હવે એ કરે તો શું કરે! જો એ જગ્યાએથી જરાપણ હલશે અને સિંહણ ઝડપથી તરાપ મારશે તો? તે પોતે તો સ્થિર હતો, પણ એનું મન સતત તેની સાથે વાતો કરી રહ્યું હતું..
"અરે રે, શાને હું એકલો આવા જંગલમાં નીકળો.. નીકળો તો નીકળો, પણ આમ અડધી રાત્રે નીકળવાની શું જરૂર હતી.. અને નીકળા પછી આ સિંહ પરિવારને રોડ ઉપર સાથે ભોજન કરતા જોઈને મારે નીચે ઉતારવાની શું જરૂર હતી.. ફોટા પાડ્યા વગરનો શું હું મરી જતોતો? અને મને મુરખાને કેમેરાની ફ્લેશ બંધ કરવાનું પણ ના સુજ્યું!" આટલું હજીતો પ્રહલાદ વિચારે ત્યાં તો સિંહણ માત્ર દસ મીટર છેટે સુધી આવી ગઈ અને ત્યાં જાણે પ્રહલાદનો આ ભવ કઈ રીતે પુરો કરવો એની યોજના બનાવતી હોય એમ સ્થિર ઉભી રહીને ફરીથી ઘુરકિયાં કરવા લાગી.
પ્રહલાદને હવે પૂરો વિશ્વાસ થઇ ગયો હતો કે આ રાત એના જીવનની છેલ્લી રાત છે. તેણે મરણિયા બનીને ફરીથી ગાડી તરફ જવા પગ ઉપાડ્યો ત્યાંતો સિંહણ તેનાથી બમણી ગતિથી એનાથી માત્ર એક છલાંગ જેટલી દૂર આવીને ઉભી રહી ગઈ. હવે પ્રહલાદ પાસે ભગવાનને યાદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. તે બે હાથ જોડીને ધ્રુજતા પગે પોતાના ઇષ્ટદેવ મહાદેવને યાદ કરીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા લાગ્યો. બે ક્ષણ આમ સ્થિર અવસ્થામાં જ પસાર થઇ ગઈ.એવામાં પાછળથી એક ઘેરો, શાંત, નિર્ભય અને મોટો અવાજ આવ્યો...
"ગંગા, એને જાવા દે.."
અત્યારે અહીં આ સુમસામ જંગલમાં આમ ગંગા સાથે મોટેથી વાત કરનાર કોણ હશે? શું એ આ સિંહણને ગંગા નામથી સંબોધી રહ્યો છે? શું એ મને બચાવવા આવ્યો છે? કોણ હશે એ? પ્રહલાદનું મન મહામૃત્યુંજય મંત્રથી વિચલિત થઈને એ અવાજના કૌતુક ઉપર ક્ષણભર ચોંટી ગયું. પરંતુ એ વ્યક્તિ કોણ છે એ જોવા માટે પાછળ વળીને જોવાનું સાહસ તેનામાં નહોતું. રખેને એ નજર ચુકે અને સિંહણ તરાપ મારે તો!
"આ તો મનેખની જાત છે, દેવી! ઈ તો આપઘાત કરીને મરતાં મરતાય પોતાના ચીતરું આખા બિસવને બતાવીને જ મરે છે, તો તું તો વળી એના માટે મોટી નવાઈ છે, માં! ઈ ને તારું ચીતર હંઘરવું નથી, ઈ ને તો ઈ એના સનેહીઓને બતાવીને પોતાની બડાઈ કરવી છે. ઈ ની મુરખાઈની તું દયા ખા મારી માં, તારા પરકોપને ઈ પાતર નથી. હે દુર્ગાવાહિની, હે વનદેવી, હે સાક્ષાત ભવાની, આ અબુધને છોડીને જા મારી બાળી, તું જા!"
હવે પ્રહલાદના અચરજનો પાર ના રહ્યો. આવું કોણ હશે કે જે જંગલમાં સિંહણ સામે આવી દાર્શનિક વાતો કરી રહ્યું છે અને પોતે જાણે મહાભારતના ભીષ્મપિતામહ હોય એમ બૌદ્ધિક ડાયલોગ ફટકારી રહ્યું છે? એ જે હોય તે, પણ એ વાત નક્કી છે કે એને સિહણથી બીક લગતી નથી. કદાચ એ જંગલખાતાના અધિકારી હોઈ શકે અથવા તો કોઈ સ્થાનિક હોઈ શકે કે જેઓને સિંહો સાથે રોજનો પનારો છે. આટલું વિચાર્યા પછી પ્રહલાદને કંઈક સુધ વળી અને નિશ્ચય કર્યો કે એ વ્યક્તિ જે હોય તે, પણ તેને સિહણથી બીક લગતી નથી એટલું અનુમાન પૂરતું છે તેની શરણમાં જવા માટે. આમ વિચારી પ્રહલાદે ધીરેથી પીઠ પાછળ ફરવાની હિમ્મત કરી અને પાછળ જોવાનો પ્રયાસ કર્યો.
પાછળ જોતાં વેંત પ્રહલાદ તો ડઘાઈ ગયો. એક પુરા સવા સાત ફૂટ ઊંચો કદાવર પુરુષ મક્કમ પગલે અંધારામાં પોતાની તરફ આવી રહ્યો હતો. તેણે પરંપરાગત રીતે ધોતિયું પહેરેલું હતું અને ડીલ સાવ ખુલ્લું હતું. ચુસ્ત કમર, વિશાળ છાતી, મોટું માથું અને ફાટ ફાટ થતી ભુજાઓ અંધારામાં પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા હતા. પરંતુ સૌથી ભયંકર વાત એ હતી કે તેના જમણા હાથમાં એક લાંબી ખુલ્લી તલવાર હતી કે જેને એ સહજતાથી ઝુલાવતો આવી રહ્યો હતો. અંધારામાં એ દ્રશ્ય ખરેખર ભયાનક હતું. પ્રહલાદ વિચારવા લાગ્યો કે ખરેખર વધુ ભયંકર કોણ છે? એ સિંહણ કે પછી આ વિકરાળ પુરુષ! બે માંથી જે હોય તે, પણ આજે તેની કાળ રાત્રી છે એ પ્રહલાદે મનોમન સ્વીકારી લીધું.
તે મહાકાય પુરુષ જેમ જેમ નજીક આવી રહ્યો હતો તેમ તેમ તેનું સ્વરૂપ સ્પષ્ટ થઇ રહ્યું હતું. દૂરથી ભયાનક લાગતો એ અંધારાનો ઓળો જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ તેનું દિવ્ય સ્વરૂપ પ્રહલાદના મનને શાતા આપવા લાગ્યું. એ એક મધ્યમ આયુનો પીઢ વ્યક્તિ જણાતો હતો. ગૌર વર્ણ, પાણીદાર આંખો, લાંબા સુઘડ વાળ ઉપર જાડી શિખાનો અંબોળો, ગળામાં રુદ્રાક્ષ માળા, પહોળા કપાળ ઉપર રાખથી કરેલુ ત્રિપુંડ, છાતી અને ભુજાઓ ઉપર પણ રાખથી રક્ષા કરેલી, અને વળી તેની ઉપર રુદ્રાક્ષના પારા વાળી બાજુબંધ બાંધેલી હતી. ધોતિયું કેસરી રંગનું હતું. ડીલ ઉપર સહજ રીતે આવતી જાડા દોરાની જનોઈ તેને કોઈ ઋષિમુનિનું સ્વરૂપ આપી રહી હતી.
'આ સાધુ જેવો લાગતો પુરુષ ખુલ્લી તલવાર લઈને શા માટે ફરતો હશે? એ જે હો તે, પણ એને જોઈને એવું લાગતું નથી કે એ કોઈને હાની પહોંચાડશે'. આટલું હજુતો પ્રહલાદ વિચારી રહ્યો ત્યાં તો એ મહાકાય પુરુષ તેની લગોલગ આવીને ઉભો રહી ગયો અને મલકાઈને પ્રહલાદ તરફ જોવા લાગ્યો.
"તમે આ જંગલના સાધુ છો? તમે પ્રાણીઓ સાથે વાતો કરો છો? તમે કોઈ સિદ્ધ મહાત્મા છો? આ તલવાર લઈને શા માટે ફરો છો?" પ્રહલાદથી રહેવાયું નહિ, તે બીજી કોઈપણ ઔપચારિકતા કોરમાં મૂકીને સિધ્ધો જ એકસામટા પ્રશ્નો પૂછવા લાગ્યો. "હા હા હા. હું તો ઈમાંથી કાંઈ નથી, બાપ! હું તો અયાંનો થાનકવાસી છું. તમને બિપતમાં પડેલા જોયા એટલે હું દોડતો આયવો" પુરુષે સહજ ભાવે અને મલકાટ સાથે કહ્યું. "આ વનરાજો હારે તો અમારો રોજનો પનારો. અમે ઈ ની ભાસા નો સિખિયે તોય ઈ તો અમારી ભાસા સીખી જ જાય છે." પુરુષે અટ્ટહાસ કરતા કહ્યું અને વળી પાછો ચેહરો ગંભીર કરીને બોલ્યો "આ તો આ જંગલના દેવી દેવતાઓ છે બાપ! ઈ ને તો માનથી બોલાવાય. ઈ વાત જુદી છે કે આયનાં લોકો હવે એવું નથી માનતા, એને 'ઝનાવર ઝનાવર' કહે છે અને એના બાપને પૂછડાં પકડીને કાઢે છે, પણ મને ઈ બધું નથી ગમતું".
આટલું સાંભળતાં જ પ્રહલાદને યાદ આવ્યું કે સિંહણ તો પાછળ હજુ ઉભી જ છે! સિંહણ શું કરે છે એ જોવા માટે એ પાછળ ફર્યો તો જોયું કે તે તો પાછી પોતાના બચ્ચાઓ સાથે બેસીને રોડ ઉપર ભોજન કરી રહી છે. એકવાર રાહતનો શ્વાસ લીધા પછી તેને સિંહણ દ્વારા એ વ્યક્તિની વાત માની જવા ઉપર ક્ષણિક કૌતુક થયું, પણ એ જાણતો હતો કે જંગલના લોકોને આ ખરેખર રોજનું થયું, માટે આ કોઈ મહાન આશ્ચર્યની વાત નહોતી.
"ઈની ચિંતા નો કરો, બાપ. ગંગા મને ઓળખે છે. ઈ હવે નઈ આવે. જાવ તમે તારે". આટલું સાંભળતાં જ પ્રહલાદને સુધી આવી કે એણે હજુ સુધી એનો જીવ બચાવનારનો આભાર માનવાનો વિવેક પણ કર્યો નથી. "તમારો ખુબ ખુબ આભાર શ્રીમાન". પ્રહલાદે સમજીને જ એ દેશી વ્યક્તિ માટે Sir તરીકેનું ઉદબોધન કરવાને બદલે 'શ્રીમાન' તરીકેનું સંબોધન કર્યું. "તમારું નામ શું છે શ્રીમાન?" વાતાવરણ થોડું હળવું થતાં પ્રહલાદે સજ્જન સહજ વિવેક શરુ કર્યો. "ત્રિલોચનશંકર જટાશંકર ભટ્ટ". કેવું અદભુત્ત નામ! પ્રહલાદ મનોમન વિચારી રહ્યો. આજના છીછરા યુગમાં માણસો નિતનવા અને અર્થ વગરના લુલ્લા નામો રાખે છે. આવા ભારેભરખમ નામોનો જમાનો પાછો ક્યારે આવશે? અને વળી આવું જાજરમાન નામ શું આ વિકરાળ પુરુષને નથી શોભતું! અગાઉ મેં તેમના માટે ભીષ્મપિતામહની સંજ્ઞા ટીખળમાં જ આપી હતી. પણ મને લાગે છે કે ભીષ્મપિતામહ તેમના સમયમાં કઈંક આવા જ લાગતા હશે. અને એમણે અગાઉ બોલેલા દાર્શનિક વાક્યો ખરેખર એમના વ્યક્તિત્વને શોભે છે. અહો, જો આ પુરુષ જ આવો વિકરાળ વ્યક્તિત્વ વાળો છે તો સ્વયં ભીષ્મપિતામહ કેવા હશે!
"તમારું નામ?" પ્રહલાદના વિચાર વમળો તૂટ્યાં. સ્થિર થઈને જવાબ આપ્યો "પ્રહલાદ પુરોહિત". "શીદ જાઓ છો, ભૂદેવ?" ત્રિલોચન ભટ્ટ જાણી ગયા હતા કે પ્રહલાદ પણ બ્રાહ્મણ છે માટે આ વખતે 'ભૂદેવ' કહીને સંબોધન કર્યું. "અમદાવાદથી સોમનાથ-વેરાવળ જવા નીકળ્યો છું." "હમમમ. કર્ણાવતીના છો." પ્રહલાદને આશ્ચર્ય થયું. આ જંગલમાં રહેનાર માણસને કઈ રીતે ખબર કે અમદાવાદનું અસલી નામ કર્ણાવતી છે! "તમે ક્યાંય જઈ રહ્યા હતા ત્રિલોચનભાઈ.." થોડું અચકાયા પછી પોતાની જીભ કચરીને સંબોધન સુધારતા પ્રહલાદે કહ્યું "અદા". "હું તો અહીં જંગલના છેડે સુધી જ જવાનો છું". પ્રહલાદને થયું કે આ માણસનો આવડો મોટો ઉપકાર છે તો કમસેકમ એને આટલો રસ્તો તો પાર કરાવવો જ જોઈએ. પરંતુ તેના મનમાં હજુ પેલી ખુલ્લી તલવાર અને અજુગતો વેશ જ રમી રહ્યા હતા, અને વિચારી રહ્યો હતો કે તેને પોતાની ગાડીમાં બેસાડવો જોઈએ કે નહિ. અંતે તેણે પૂછી જ લીધું "આ તલવાર લઈને ક્યાં જાઓ છો? અને જો તમે સાધુ નથી તો આવો વેશ શા માટે ધારણ કર્યો છે?" "અરે આ... આ બધું તો નાટક માટે છે" ત્રિલોચન ભટ્ટે હસીને ઉત્તર આપ્યો. "કાલે સાંજે વેરાવળમાં એક નાટક છે. ઈ માં હું એક હજાર વર્ષ પેલાનો બ્રાહ્મણ પૂજારી બઈનો છું. ઈ માં મેમ્મુદ ગઝનવી સોમનાથ ઉપર કટક લાવે છે, ને ઈ ની હામે મારે લડવાનું છે".
ત્રિલોચન ભટ્ટના શબ્દો સાંભળી પ્રહલાદના કાન ચમક્યા. એક હજાર વર્ષ... ગઝનવી... બ્રામ્હણ યોદ્ધાઓ... લડાઈ... "શું તમે સોમનાથ મહાદેવના મંદિર ઉપર થયેલા આક્રમણ ઉપર નાટક ભજવી રહ્યા છો?" પ્રહલાદે આતુરતાથી પૂછ્યું. "હા ભૂદેવ. સોમૈયા દેવને કાઝ લડેલા ભડવીરોના સમરણમાં આ નાટક કરવાનું છે. તમને નવરાઇ હોય તો આવજો." "જરૂર આવીશ. પણ અત્યારે બેસો મારી ગાડીમાં, તમને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાઉં." પ્રહલાદને માટે આ કૃતઘ્નતા વ્યક્ત કરવા ઉપરાંત હવે આ પોતાના સ્વાર્થનો પણ વિષય હતો. તેને ત્રિલોચન ભટ્ટ પાસેથી ઘણી મહત્વની માહિતી મળી શકે એમ હતી, માટે તેમને ગાડીમાં બેસાડીને જ લઇ જવા એવો મનોમન નિશ્ચય કર્યો. "અરે અમારું તો હું છે ભૂદેવ, અમે તો જોજન ના જોજન એમનેમ હાયલા જાંય. તમારી ગાડીમાં હું હમાઈસય નઈ" ત્રિલોચન ભટ્ટે ટીખળ ભરેલી આંખોથી કહ્યું. "ના ના ભૂદેવ, હું સીટ પાછળ કરી દઈશ. વાંધો નહિ આવે. તમારે આવવું જ પડશે." આટલું કહી પ્રહલાદ ગાડીનો દરવાજો ખોલીને સીટ પાછળ કરવા લાગ્યો અને ત્રિલોચન ભટ્ટને ગાડીમાં લઈને જ જશે એવો નીર્ધાર જતાવવા લાગ્યો. "ઠીક ત્યારે હાલો.. સોમૈયો જે કરે ઈ ભલું". આટલું કહી જેમતેમ કરીને ત્રિલોચન ભટ્ટ ગાડીમાં ગોઠવાયા. પોતાની તલવાર પાછળની સીટ ઉપર રાખી. પ્રહલાદ પણ ગાડીમાં બેઠો અને ગાડી ઉપાડી. "ગાડી એક કોરથી લેજો. વનરાજોને રંજાડતા નઈ" ત્રિલોચન ભટ્ટે સૂચન આપ્યું. પ્રહલાદ પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. આગળ રોડ ઉપર હજુ સિંહપરિવાર બેઠો જ હતો અને એમ કાંઈ ઉભા થવાના પણ નહોતા. તેણે ગાડી રોડ નીચે ઉતારી અને સિંહપરિવારની એક બાજુથી તારવવા લાગ્યો. જતા જતા છેલ્લી દ્રષ્ટિ પેલી સિંહણ ઉપર નાંખી તો એ સિંહણ પણ હજુ પ્રહલાદ સામે જ જોઈ રહી હતી. સિંહણની આંખોમાં જોઈને પ્રહલાદ જાણે એક ધબકારો ચુકી ગયો. ગાડી તારવીને ફરી રોડ ઉપર લાવી અને ભગવાનનો ઉપકાર માનીને ગાડી સડસડાટ ભગાવી.
"તમે અહીં જંગલમાં જ રહો છો?" પ્રહલાદે વાતનો દોર શરુ કર્યો. "હા, પેલા હું વેરાવળ રેતો. હવે ઘણા વખતથી અયાં જ રવ છું ને મંદિરમાં સેવા-પૂજા કરું છું. વખતે સોમૈયાના દરસને જતો રઉં છું." પ્રહલાદે ગાડી થોડી ધીમી પાડી દીધી કારણકે જંગલ પૂરું થવાને હવે બહુ વાર નહોતી અને આ વડિલ પાસેથી વાતો ઘણી જાણવાની હતી. તેણે ઔપચારિક વાતોનો દોર આગળ ચલાવ્યો. "તો તમે પૂજારી છો... અને નાટક કાલે ક્યાં કરવાના છો?" "વેરાવળમાં. અત્યારે અયાં આગળ ઉતરી જાઇશ. ન્યાંથી બાકીની નાટક મંડળી હારે કાલે વેરાવળ જાઈસ". જવાબ સાંભળીને પ્રહલાદ સમજી ગયો કે હવે વાત જલ્દી આગળ વધારવી પડશે.
"સોમનાથ તો હમજ્યો કે દર્શન કરવા જાવ છો. વેરાવળ કાંઈ કામથી જાવ છો?" પ્રહલાદને જે વિષય ઉપાડવો હતો એ જ વિષય ત્રિલોચન ભટ્ટે ઉપાડ્યો એટલે પ્રહલાદ સીધો જ મુદ્દા ઉપર આવ્યો. "હું એક ઇતિહાસકાર છું. મહાદેવ ઉપર મને પહેલેથી જ પ્રીતિ છે માટે સોમનાથ મહાદેવના મંદિરના ઇતિહાસના વિષય ઉપર સંશોધન કરું છું. અહીં હું પહેલી વાર નથી આવતો. ઘણી વાર આવ્યો છું. પણ મને મારા પ્રશ્નોના ઉત્તરો મળતા નથી. લોકવાયકાઓ તો ઘણી છે. પણ નક્કર પુરાવા શોધ્યા જાળતાં નથી."
"એમ? હારું કેવાય હો.. બાપ, તમે તો બોવ ભણેલા લાગો છો. હારું હારું. સોમૈયો દેવ તમને આસીરવાદ આપે. પણ તમને પ્રસ્ન સું છે?" પ્રહલાદ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. "આમ તો ઘણો ખરો ઇતિહાસ જાણીતો છે. પણ મને એક વસ્તુ નથી સમજાતી. એ સમયે ઉજ્જૈનના પરમાર રાજા ભોજ અને ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ બંને હિન્દૂ રાજાઓ હતા અને ખુબ શક્તિશાળી હતા. આમ છતાં એ બંનેએ બર્બર સ્થિતિમાં રહેતા અને નીચ પ્રવૃતિઓ વાળા મહમુદ ગઝનવીને એટલે દૂરથી આવીને સોમનાથ મંદિર શા માટે તોડવા દીધું? શું એ બંને રાજાઓ ભેગા મળીને ગઝનવીને રોકી શકતા નહોતા? એ બંને પણ શિવભક્ત તો હતા જ. અરે, બંનેમાંથી એક રાજા જ પૂરતો હતો. તો પછી સોરઠના રાજાને સહાયતા કરવા શા માટે કોઈ ના આવ્યું?" પ્રહલાદ એકી શ્વાસે પોતાનો પ્રશ્ન બોલી ગયો. પાંચ વર્ષથી તે આ પ્રશ્નનો ઉત્તર ખોળતો હતો, વાતો તો ઘણી સાંભળતો હતો પણ ક્યાંય નક્કર પુરાવા મળતા ના હતા. તેને આશા હતી કે કોઈ ખરા ઇતિહાસનો જાણકાર હશે તો કઈંક ને કઈંક સમાધાન તો મળી જ જશે. એવામાં તેને ત્રિલોચન ભટ્ટના નાટકની વાત સાંભળીને ચમકારો થયો કે જે વ્યક્તિ એ ઘટનાનું નાટક ભજવી રહ્યો છે એની પાસે કઈંક તો વિશેષ માહિતી મળી જ જશે. અથવા તો કોઈ માર્ગ અવશ્ય ચીંધી શકશે. આ ઉપરાંત તેના મનમાં પ્રશ્ન આ એક જ નહોતો,વ્યક્તિગત પ્રશ્નો ઘણા બધા હતા. પણ સાર્વજનિક રીતે તેનો સંશોધનનો વિષય આ પ્રશ્ન જ હતો,, અને એનો જ એને પગાર મળતો હતો.
"ઈ વખતમાં પાટણના સોળંકીઓ અને ઉજ્જેણીના પરમારો વચારે વેર હતું. સોરઠનો રાવ પણ સોળંકીઓની હેઠે હતો પણ એની હારે સારો નોતો. મેમ્મુદના વાવળ મઇળા એટલે ઈણે બેયને કેણ મોઇકલા, પણ બે માંથી એકેય પોતાની વડાઈ મૂકીને મારા સોમૈયાની વ્હારે નો આઈવું. વખત જાતા બેયને પોતાની મુરખાઈનું ભાન થ્યું અને ભીમદેવ સોળંકી અને ઉજ્જેણના ભોજ પરમારે હારે મળીને નવું મંદિર બંધાઈવું. પણ ઈ તો રાંડ્યા પછીનું ડાપણ કેવાય મારા બાપ! છેલ્લા એક હજાર વરસમાં હિન્દુઓની આ જ ગતી રઈ છે. હામટા લયડા હોત તો કોઈની સું તાકાત હતી!" ત્રિલોચન ભટ્ટ સાવ સહજતાથી આખી ઘટના બોલી ગયા. પણ પ્રહલાદ આ વાર્તા કાંઈ પહેલી વાર નહોતો સાંભળતો. તે આ વાત બરાબર જાણતો હતો પણ તેને આ બાબતે કોઈ આધારભૂત પુરાવા મળતા નહોતા. "આ વાત મેં પણ સાંભળી છે, અદા. પણ આના કોઈ દસ્તાવેજી પુરાવા ખરા? કોઈ એક રાજાએ બીજા રાજાને મોકલેલો સંદેશ, કોઈ શિલાલેખ, કોઈ રાજદ્વારી પત્ર... કંઈપણ" પ્રહલાદને વાતોમાં રસ નહોતો. એને તો પોતાના સંશોધન પત્રમાં જોડાવા માટે પુરાવાઓ જોઈતા હતા. "દસ્તાવેજી પુરાવા? એટલે ટીપણાં? ટીપણાં તો થોથા છે ભૂદેવ. એનું સું કરસો? તમારી હામે જીવતો જાગતો ઇતિહાસ રિયે છે. વેરાવળ જાવ.. નાના નાના છોરાંવનેય બધી ખબર છે. આ અંગરેજી ભણી ભણીને અંગરેજી રીતું સીખી ગ્યા છો કે સું? અંગરેજી રીતુનો ઇતિહાસ અમુક વરસોમાં ભૂંસાય જાય છે, ને કાં તો ભરમાઈ જાય છે. આપણા રામાયણ મહાભારત હજી લોક જીભે ઈમ ના ઈમ જીવે છે. ટીપણા તો એક મનેખ લખે છે, ભૂદેવ, પણ લોકકથા તો આખો સમાજ યાદ રાખે છે."
ત્રિલોચન ભટ્ટની આ ઊંડી વાત સાંભળીને પ્રહલાદ ઘડીભર અવાક બની ગયો. તેનો તર્ક ખરેખર સાચો છે કે ખોટો એ મૂલવવા લાગ્યો. એની વાત ખોટી નહોતી. આવડો મોટો આખો સમાજ સાચો કે પછી કોઈ એક વ્યક્તિએ લખેલું એક દસ્તાવેજ સાચું? આખરે કોણજાણે એ દસ્તાવેજ લખતી વખતે લખનારની પરિસ્થિતિ શું હશે? શું એની મંશા હશે, શું વિવશતા હશે? એનો પુરાવા તરીકે નિશ્ચયાત્મક ઉપયોગ કઈ રીતે કરવો? અને વળી ઇતિહાસકારો લોકવાયકાઓને દંતકથા તરીકે શા માટે નકારી દેતા હશે? શું ઇતિહાસકારો એક જ બુદ્ધિશાળી, અને બાકીનો આખો સમાજ ઢોંગી, અબુધ અને ખોટાળો? ના ના. ઇતિહાસકારો કાઈં એટલાં નગુણા પણ નથી હો. તેઓ લોકવાયકાઓને માન તો આપે જ છે પણ સાથે સાથે એના પુરાવાઓ પણ તપાસે છે. પુરાવા વગર કોઈ સિદ્ધાંત પ્રસ્થાપિત કઈ રીતે કરવો? ત્રિલોચન ભટ્ટ એની રીતે સાચા છે. પણ મારે તો મારુ કામ કરવું જ રહ્યું.
"શું વિચારો છો ભૂદેવ?" ત્રિલોચન ભટ્ટે પ્રહલાદની સમાધિ તોડી. "કઈં નહિ. તમારા નાટક વર્તુળમાં કોઈ એવું ખરું કે જે મને કોઈ નક્કર પુરાવા તરફ દોરી શકે? મારે માટે એ જરૂરી છે." ત્રિલોચન ભટ્ટ હવે સમજી ગયા કે આ માણસ નક્કર પુરાવાઓ વગર નહિ માને. "ક્ષત્રિઓ તો બધાય મારા સોમેસ્વરને કાજ કામ આવી ગ્યાતા. ઈ ની બૈરા-છોકરાવય ઈ યવન નરપિસાચો ઉપાડી ગ્યાતા એટલે એની વાતું કરવા વાળું કોય રિયું નઈ. છેલ્લે બ્રાહ્મણો અને સોમૈયાના પુજારીયું વૈધાતા. ઈ ની થોડી પરજા બચી ગઈ. ઈ નો ઇતિહાસ કેવા વાળા લોકો હજી છે. પણ ઈના તમારે જોયે એવા કોઈ ટીપણા નથી." ત્રિલોચન ભટ્ટ સ્થિર આંખે બોલી રહ્યા. "હા. હું એ ઇતિહાસ જાણું છું." પ્રહલાદે આગળ બોલતા કહ્યું "સેંકડો બ્રાહ્મણોએ પોતાના માથા આપ્યા હતા. ગઝનવીના પિશાચો ખભા ઉપર વાર કરીને આખે આખા ઉભા બ્રાહ્મણોને ચીરી નાખતા હતા, માટે જ 'જનોઈવઢ ઘા' એવો શબ્દ પ્રચલિત થયો". પ્રહલાદની આ વાત સાંભળતા જ જાણે તેણે એ બ્રાહ્મણ શૂરવીરોનું અપમાન કર્યું હોય તેમ ત્રિલોચન ભટ્ટ તુચ્છકારપૂર્ણ અવાજે બોલ્યા "ગઝનવીના કટકની વાત્યું બોવ સાંભળી લાગે છે. ઈ વખતે ધીંગાણે ચડેલા પરસુરામોનું કાંઈ હામ્ભયડું છે કે નઈ ભૂદેવ?" આટલું સાંભળી પ્રહલાદના કાન ચમક્યા. શું એ ખરેખર સોમનાથની સેવા કરનારા બ્રાહ્મણોની શૂરવીરતાઓની વાતો જાણતા હશે? કહેનારા કહે છે કે તેઓ ખુબ બહાદુરીથી લડ્યા. પણ યુદ્ધની ઝીણી ઝીણી વિગતો કોઈ કહેતું નથી. ત્રિલોચન ભટ્ટ આ બાબતે જરૂર જાણતા હોવા જોઈએ કારણકે તે તો આ આખા યુદ્ધનું નાટક ભજવી રહ્યા છે. એમનાથી વધુ આ કથા કોઈ ના કહી શકે. ત્રિલોચન ભટ્ટના બદલેલા અવાજથી પ્રહલાદ એ પણ સમજી ગયો હતો કે યવનોના સૈન્યની બડાઈ સાંભળવાનું તેને ગમ્યું નથી. આ બાબતમાં પ્રહલાદનો અભિપ્રાય પણ સમાન જ હતો. યવનોની એકતરફી યશોગાથા સાંભળી સાંભળીને તે પોતે પણ કંટાળી ગયો હતો. કેટકેટલા વર્ષો થયા. પ્રહલાદ બાળપણથી આ વાત જાણવા માંગતો હતો. પોતાના પૂર્વજો જરૂર વીરતાથી લડયા હશે એવી તેને શ્રદ્ધા હતી. પણ 'જનોઈ વઢ ઘા... જનોઈ વઢ ઘા...' એ શબ્દએ પ્રહલાદના મનને ગ્રસિત કરી દીધું હતું. જયારે પણ બ્રાહ્મણો અને ગઝનવી વચ્ચેના યુદ્ધની વાત નીકળતી ત્યારે કોઈ ને કોઈ આ 'જનોઈવઢ ધા' નો ઉલ્લેખ કર્યા વગર રહેતું નહોતું, અને પ્રહલાદના કાળજામાં શૂળ ભોંકાયા વગર રહેતું નહોતું. શું બધા જ ઘા એ જંગલી પિશાચોના જ હતા? તેજવંતા બ્રાહ્મણોએ કોઈ વીરતા બતાવી નહોતી? આ બધા પ્રશ્નોનો જવાબ ત્રિલોચન ભટ્ટ પાસેથી મળી રહેશે એ વિચારીને પ્રહલાદે પોતાની પેટછૂટી વાત કરી...
"અદા, મારા પૂર્વજો પણ ભટ્ટ હતા અને સોમનાથના રહેવાસી હતા. સમયાંતરે ગુજરાત આવીને પુરોહિત બન્યા એટલે અટક ફરીને પુરોહિત બની ગઈ. હું ચોક્કસપ ણે એ જાણતો નથી કે મારા પૂર્વજો એ યુદ્ધમાં લડ્યા હતા કે નહિ, પરંતુ મારે તેમનો ઇતિહાસ જરૂર જાણવો છે. કહો ભૂદેવ, કહો કે એ વીરો કઈ રીતે લડ્યા હતા." પ્રહલાદે ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો. પ્રશ્ન સાંભળી ત્રિલોચન ભટ્ટ પ્રહલાદનો કોઈ ભેદ પામી ગયા હોય એમ મલકાઈને બોલ્યા "તો ઈ તમારો સાચો પ્રસ્ન છે, એમ ને. તો પછી પેલા ગોળ ગોળ કેમ ફેરવતાતા? કે તમને જ ઈ ખબર નથી કે તમે સું ગોતવા નીકળા છો?" પ્રહલાદ થોડો ક્ષોભિલો પડી ગયો. એ ખરેખર નહોતો જાણતો કે એના માટે વધારે મહત્વનું શું છે, એ ઘટનાનું સત્ય જાણવું કે પછી પોતાનું સત્ય જાણવું! શું એ યુદ્ધમાં તેના પૂર્વજો લડ્યા હતા? જો તેઓ લડ્યા હતા તો કેવી વીરતાથી લડ્યા હતા? અને જો એ વીરતાથી લડ્યા ના હોય તો પણ તે પોતે તેમને પૂર્વજ તરીકે સ્વીકારી શકશે? પ્રહલાદના મનમાં ઘણા પ્રશ્નો હતા. એ એમ પણ ચોક્કસપણે જાણતો નહોતો કે તેણે સોમનાથના ઇતિહાસનો વિષય શિવ શંભુ માટેની તેની ભક્તિ માટે લીધો હતો કે પછી પોતાનું સત્ય જાણવા માટે!
"તમે એ યુદ્ધ વિશે જેટલું જાણતા હો એટલું રજેરજની વિગત સાથે કહેશો તો મને બહુ ગમશે" પ્રહલાદે ઉત્સાહપૂર્વક કહ્યું. એ એમ પણ સમજી ગયો કે આ પૂજારી ભલે જંગલમાં રહેતો, પણ એને અબુધ સમજવો એ મૂર્ખતા જ હશે. જે વાતો મોટા મોટા બૌદ્ધિકો નથી સમજી શકતા એ વાતો આ વ્યક્તિ ખુબજ સરળતાથી કહી દે છે. માટે એ જે વાત કહેશે એ વાત કોઈ આધાર વિના તો નહિ જ કહે.
"તો સાંભળો ભૂદેવ.. બ્રહ્મતેજની આ સૌર્ય ગાથા" ત્રિલોચન ભટ્ટ છાતી ફુલાવીને, સીટ ઉપરથી આગળ આવ્યાં. તેમનું માંથુ ગાડીના છાપરાને અડું અડું થતું હતું પણ તેની ચિંતા કર્યા વગર જાણે હમણાં જ નાટકનું એ દ્રશ્ય ભજવવાના હોય એમ ઉન્નત મસ્તકે ગાથા વર્ણવવાનું શરુ કર્યું.
"ક્ષત્રિઓ હણાઈ ગ્યાતા, ગામ રંજાડાઈ ગ્યુંતું, લોકવરણ ભાગી ગ્યુંતું, સોમૈયા દેવનેય બીજે ખસેડી દીધાતા. વયધુતું ખાલી ઈ પુરાતન મંદિર. એક દેવ વિનાનું મંદિર અને ઈની રકસા કરનારા એકસો અઢાર બળવાન ભૂદેવ". નરવીરોની ગાથાનું વર્ણન શરુ થઇ ગયું હતું. પ્રહલાદ માટે એ એકસો અઢાર ભૂદેવોના સ્વરૂપની કલ્પના કરવી જરાય અઘરી નહોતી. એ બધા જ ત્રિલોચન ભટ્ટ જેવા લગતા હોવા જોઈએ એવું તેણે કલ્પી લીધું. તે હવે એ એકસો અઢાર જનોઈધારી યોદ્ધાઓમાં ક્યાંક પોતાના પૂર્વજો જોઈ રહ્યો હતો. તે આતુર હતો એ જાણવા માટે કે તેના વડવાઓએ યુદ્ધમાં કેવું કૌશલ્ય બતાવ્યું હતું. ધીરે ધીરે તે અતીતમાં સરી રહ્યો હતો અને ગાડીની ગતિ ધીમી થઇ રહી હતી.
ત્રિલોચન ભટ્ટે બોલવાનું ચાલુ રાખ્યું "લોકવરણે ભૂદેવોને બોવ સમજાયવા કે ભાગી જાવ તાત.. ભાગી જાવ. મંદિર તો તૂટીને રેસે. દેવ તો સુરકસિત છે જ ને. જીવ રેસે તો મંદિર ફરીથી બનાવસુ. પણ તમ સમાન તપસ્વી ભૂદેવ ક્યાંથી લાવસું?" ત્રિલોચન ભટ્ટ જાણે એ ઘટના તાદ્રશ નિહાળી રહ્યા હોય એમ બોલવાનું ચાલુ રાખ્યું "ભૂદેવોએ કહ્યું, ના બાપ ના. આ સોમૈયા મંદિરને કાજે તો આ ખોળિયાં આટલા પહોળા થ્યા છે. તમ બધાની આપેલી ભીખ ખાઈ ખાઈને આજે જો અમે સોમૈયાને કાજે જ કામ નો આયવા તો કયે ભવ છૂટશું? આજનો દી તો ભોળાનાથ માટે કમળપૂજા કરવાનો દી છે બાપ. આ અવસર અમે જવા દઈ એટલાય નગુણા નથી. તમે જાવ બાપ... તમે જાવ. અમારા છોરાં ને બઈરાનું હાચવજો. બાકી અમારી વ્યાધિ કરસોમાં. આવ્વા દ્યો મેમ્મુદને! ઇનિય સાન ઠેકાણે લાવી દૈસું. હવે વખત કરો માં... જાવ બાપ જાવ. અમેં આંય ઉભા છીં મેમ્મુદને પોંખવા!" આટલું બોલી ત્રિભોવન ભટ્ટ જાણે પોતે ગઝનવીની રાહ જોતા ઉભા રહ્યા હોય એમ એક ઘડી થોભી રહ્યા અને પછી ફરી શરૂ કર્યું. "ઇ નરબંકાઓમાં પાંચ ભાયું હતા. પાંચ પાંડવ જેવા ભાયું. સસ્ત્રો અને સાસ્તરો, બેયના ગીનાની. પડછંદ અને પરાકરમી. પાંચેયે નક્કી કયરૂં કે મારવો તો મેમ્મુદ! બીજા કોઈમાં વખત બગાડવો નઈ. સીધા જ ઇ નરાધમ બાજુ જૉવું." પ્રહલાદનું રક્તચાપ અને ગાડીની ગતિ, બંને વધી રહ્યા હતાં. ત્રિલોચન ભટ્ટે એક ઊંડો શ્વાસ લીધો અને જાણે હવે યુદ્ધ શરૂ જ કરવાના હોય એમ ઊંડા અવાજે વાત આગળ વધારી. "અંતે કટક આયવું. આગળ મેમ્મુદ હરખાતો આવતોતો ને પાછળ ચારસો ઘોડેસવારોનું કટક હતું. ઈને એમ કે ક્ષત્રિઓ હણાઈ ગ્યા એટલે હવે કોઈ હામું નઈ આવે. પણ એની હામે એકસો અઢાર ભૂદેવો કપાળે ત્રિપુંડ, ખુલ્લું ડીલ, હાથ ને ગાળામાં રુદ્રાક્ષ ને શરીરે ભસમ લગાવીને 'હર હર મહાદેવ... હર હર મહાદેવની' ગરજના કરતાતા. ઈ બધાના હાથમાં નાગી તરવારો એવી સોભતીતી જાણે પરસુરામના હાથમાં પરસુ".
ગાડીમાં હવે એક અનેરો યુદ્ધ ઉન્માદ છવાઈ ગયો હતો. બંને પ્રવાસીઓ અત્યારે જાણે ત્યાં હતા જ નહિ. તેઓ એક હજાર વર્ષ પહેલાના સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઉભા ઉભા ગઝનવીને ઉભે ઉભો વેતરી નાખવાની રાહ જોતા હતા, અને હર હર મહાદેવના પોકારો કરી રહ્યા હતા.
"કાયર મેમ્મુદ આ દ્રસ્ય જોઈને ડઘાઈ ગ્યો. મક્કા અને મદીનાના 'હર હર મહાદેવના' નાદ હજી એના કાનમાં ગૂંજતાતા. ઊંચા પડછંદ નરબંકાવને જોઈને ઈના હાજા ગગડી ગ્યા. હઉની છેલ્લે પોતાના અંગરકસકો ભેગો ઉભો રૈ ગ્યો ઈ નમાલો, ને કટકને આગળ થઈને લડવાનું કીધું. પણ ઓલા પાંચ ભાયુંનું લક્સ્ય તો એક જ હતું. મેમ્મુદ. પાંચેય એની બાજુ દોયડા અને વચ્ચે જે આયવા એને કાપતા ગ્યા. અરબી લૂંટારાવે જોદ્ધા તો બોવ જોયાતા, પણ તપસ્વી જોદ્ધાનો કોપ કેવો હોય, એની તરવારની ગતિ કેવી હોય ઈ પેલી વાર જોતા તા. અડધા તો હજી કાંઈ વિચારે કે જોવે ઇ પેલા તો એના માથા દૂર પડ્યા પડ્યા પોતાના લથડતા ધડને નીચે પડતું જોતાંતા. આખા આખા ઘોડાને કાપી નાખતી ખળગું જોઈને કટકના ઘોડાવય ભાગી જાતા તા. ભાલા વાળાવ ના ભલા પોંચે ઈ પેલા તો સંભુસેના એનીકોર પોચી જાતીતી ને ભાલા ઈ મૃતદેહોના હાથમાં જ ધરેલા જ રઈ જાતાતા".
પ્રહલાદથી જોરથી બોલાઈ ગયું 'હરહર મહાદેવ'! તેની ગાડીની ગતિ તિવ્ર થઇ ગઈ હતી. તેના શરીરમાં એડ્રિનાલીનનો સ્ત્રાવ તેના મહત્તમ સ્તરે હતો. આ ક્ષણનું લક્ષ્ય એક જ હતું, મેમ્મુદને મારવો!
"કટક આઘુંપાછું થઇ ગ્યુંતું. સૈનિકો પાછળથી આવતી વધારાની કુમકોની આસમાં પરાણે લયડે જાતાતા. જ્યાં હુધી વધારાના સૈનિકો નો આવે ત્યાં હુધી ઈમના ડોકાંને ભગવાધારી જોદ્ધાઓની ખડગની વાટ જોવા સિવાય કોઈ રસ્તો નોતો. વખતનો લાભ લયને પાંચેય ભાયું મોમ્મદ બાજુ ધાયા. અંગરકસકો હારે તુમુલ જુદ્ધ થિયું. ચાર ભાઈ સોમૈયાને કામે આયવા પણ પોતાના હઉથી મોટા ભાઈનો રસ્તો કરતા ગ્યા. મોમ્મદ હામે જ હતો. ખાલી બે રકસકો ઢૂકડાં હતા, બાકી બધા પાંચ હાથ છેટા હતા. અવસરનો લાભ લઈને છેલ્લા ભાઈએ બેયના માથા એક જ ઘામાં વાઢી નાયખા. દૂર ઉભેલા રકસકોમાંથી કોઈ આ વીજળીના ચમકારાની ઢુંકડું પોચી સકે એમ નોતા, એટલે બધાએ એક હારે એની ઉપર ભાલા નો ઘા કયરો. ભાલા પોંચે એ પેલા તો સોમેસ્વરનો ઈ દાસ 'હરહર મહાદેવ'ના નાદ હારે વનરાજની જેમ કૂયદો અને ખડગનો વાર સીધાં મેમ્મુદના ડોકા ઉપર કયરો. બાયલો મેમ્મુદ પાછળ ભાગવા ગ્યો અને પોતાનું માથું પાછળ ખેંચી લીધું. ભુદેવનો ઘા જરાક ટૂંકો પયડો અને મેમમુદનું નાક કાપીને એનું ખડગ નીચે આયવું. બીજો ઘા કરવા જાય ઇ પેલા રકસકોના ઉડતા ભાલા ઇના નશ્વર દેહને છીંડીને નીકળી ગ્યા".
ત્રિલોચન ભટ્ટની આંખો લાલ હતી, મુઠ્ઠીઓ વળેલી હતી, નસો ફુલેલી હતી અને આંખો સ્થિર હતી જાણે કે એ યુદ્ધનું દ્રશ્ય સામે જ જોઈ રહ્યા હોય. પ્રહલાદની પણ કઇંક આવી જ સ્થિતિ હતી. એ આંતરમનમાં માનતો હતો કે એના પૂર્વજો આ લડાઈમાં ખરેખર લડ્યા હતાં પણ એની પાસે આમ માનવ માટે કોઈ નક્કર પુરાવો નહોતો. ગઝનવીનું નાક કપાયેલું જાણી તેને એક અનેરો સંતોષ થયો પણ આગળ હજુ વાત બાકી હશે એમ માનીને આતુરથાથી એણે પૂછ્યું "આગળ શું થયું ભુદેવ? જલ્દી કહો". "આગળ સુ કઉ બાપ, રકસકોના ભાલાના ઘા વચ્ચે ઇ મહાવીરે મહામૃત્યુંજય મંત્ર બોયલો અને આસુતોષની ચરણ સેવામાં રેવાનું સદાવ્રત માંગીને ઇ માટીના ખોળિયાંનો ત્યાગ કયરો. અમર થઈ ગ્યો."
ગાડીમાં મૌન છવાઈ ગયું. થોડો સમય કોઈએ કાંઈ પૂછ્યું નહિ અને કોઈએ કાંઈ કહ્યું નહિ. રોષ અને ઉન્માદની લાગણી હવે શમી રહી હતી અને પ્રહલાદનું મન ગર્વથી ભરાઈ ગયું હતું. મરવાનું તો એક દિવસ બધાએ છે, પણ જો ચંદ્રશેખરની સેવામાં માથું મુકવાનું મોત લખેલું હોય તો એ મોત જીવનથી પણ રૂપાળું છે. આ યુદ્ધના હુતાત્માઓમાં પોતાના કોઈ દાદા પણ એક હોઈ શકે એ વિચારે પ્રહલાદનું મન રોમાંચિત થઇ ઉઠ્યું. એ આ ક્ષણને અહીં જ થોભાવી દેવા માંગતો હતો, એ આ ગર્વની ક્ષણ ચીરસમય સુધી જીવવા માંગતો હતો. પરંતુ ઘડીભરના વિરામ પછી તત્રિલોચન ભટ્ટના શબ્દોએ એ સ્થિરતા તોડી. "મેમ્મુદે મંદિર તો તોયડુ પણ દેવ નો મયલા. ઇ કાંઈ સોમનાથ ધન લૂંટવા નોતો આયવો. આરબના હિન્દુઓએ ઇસ્લામ નો માયનો અને સોમનાથ આવી ગ્યા ઇ ની એને ખીજ હતી. મક્કાના મહાદેવને તો ઈણે મસ્જિદ બનાયવી, તો ન્યાંના શિવભક્તો હવે સોમનાથ આવી ગ્યાતા. એટ્લે ઇ રીસ નો માયરો સોમનાથ તોડવા આયવોતો. પણ મારો ભોળોનાથ ઇ ને નો મળતા ખીજાય ગ્યો અને પોતાનું કપાયેલું નાક લઈને પાછો અરબસ્તાન જાવાનેય સરમાતો તો. આગળ જાતા ઇનો અને ઈના આખા કટકનો અંતય ઢુંકડો જ હતો, ને ઇ ય એક ભુદેવના હાથે જ થાવાનો હતો."
વાતાવરણ ફરીથી શાંત થઇ ગયું. પ્રહલાદ ધીરે ધીરે ફરીથી એકવીસમી સદીમાં પાછો આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ગાડીની વધી ગયેલી ગતિ પણ તેને ધ્યાનમાં આવી - એકસો દસ! આ જંગલના સિંગલ પટ્ટી રસ્તા ઉપર આ ગતિ અત્યંત જોખમી હતી. ઝડપથી તેને ગતિ ધીમી કરીને સિત્તેર ઉપર લાવી. તેને હવે ભાન થવા લાગ્યું કે એ એક ઇતિહાસકાર છે અને અહીં તે પોતાનું સંશોધન કરવા આવ્યો છે. એના માટે કહેલી અને સાંભળેલી વાતોનું કોઈ મુલ નથી. એને જરૂર છે નક્કર પુરાવાઓની. એની પાસે હવે સમય પણ ઝાઝો નહોતો. એટલે એ સીધો જ મુદ્દા ઉપર આવ્યો. "અદા, તમારી વાતે મને મંત્રમુગ્ધ કરી દીધો. પણ ખોટું ના લગાડશો, મેં વાર્તાઓ ખુબ સાંભળેલી છે, પણ એનો કોઈ આધાર પણ મારે જોઈએ. શું તમે આ વિષયમાં કોઈ નક્કર પુરાવાઓ બતાવી શકો? કોઈ પત્ર, કોઈ શિલાલેખ? કોઈ ખાંભી કે કોઈ સમાધિ ઉપર લખેલું લખાણ પણ ચાલે." પ્રહલાદ આમતો મનોમન સ્વીકારી ચુક્યો હતો કે ત્રિલોચન ભટ્ટે કહેલી વાત સો ટકા સાચી છે. જે બહાદુર યોદ્ધાઓ મરવાને કાજ જ રણભૂમિમાં ઉતાર્યા હોય એ શું ના કરી શકે! જયારે જીવ ઉપર આવી જાય છે ત્યારે એક મકોડો પણ અસહ્ય વેદના આપી જતો હોય છે, તો આ તો બ્રહ્મતેજથી નીતરતા તપસ્વીઓ હતા! એમનો પ્રકોપ તો મહાકાલના પ્રકોપ જેવો હોય! નિઃશંકપણે એ લોકો વીરતાથી લડયા હોવા જોઈએ. પણ ઇતિહાસ જગત આવી મનોવૈજ્ઞાનિક વાતો નથી માનતું. તેને તો રસ છે ફક્ત થોથાઓમાં. અને આ થોથાઓ તો એને શોધવા જ રહ્યાં !
"તમારે સત્ય જાણવું છે કે પછી પુરાવા જોઈએ છે?" ત્રિલોચન ભટ્ટનો સણસણતો અને વેધક પ્રશ્ન આવ્યો. આ સાંભળી પ્રહલાદ પણ વિચારતો થઇ ગયો. શું પુરાવા હોય તો જ સત્યનું અસ્તિત્વ હોઈ શકે? અને જો રડ્યા ખડ્યા પુરાવાઓ વિરુદ્ધ મતના મળે તો શું સત્ય અસત્ય બની જાય? પણ સત્ય ક્યારેય છૂપાતું નથી, એ સિદ્ધાંત જો સાચો હોય તો પુરાવા પણ મળવા જ જોઈએ ને? સાલું, આ માણસ જ્યારથી મળ્યો છે ત્યારથી મગજમાં કેમિકલ લોચા જ કરી રહ્યો છે. મને એમ કે મારી મદદ કરશે, પણ આ અદાએ તો મારી વિચારધારા જ ભ્રમિત કરી દીધી. તેઓ નિઃશંકપણે એક પ્રખર વિચારક છે પણ મને અઘરા પ્રશ્નો પૂછી પૂછીને ભરમાવી મૂકે છે. કાલે એમના નાટકમાં જઈને કોઈક બીજા સીધા સાદા વ્યક્તિને પૂછીશ તો કદાચ કઈંક રસ્તો મળશે.
"બસ આંય રોકી દયો ભૂદેવ" ત્રિલોચન ભટ્ટે સંકેત કરતા કહ્યું. "અહીં રોડ ઉપર? તમને જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી મૂકી જાઉં. હજી અજવાળું થયું નથી. તમને રસ્તામાં મુશ્કેલી પડી શકે છે". અત્યાર સુધીમાં પ્રહલાદના લાગણી તંતુઓ ત્રિલોચન ભટ્ટ સાથે ઘણે અંશે જોડાઈ ગયા હતા. તેણે ફક્ત વિવેક કરવા નહિ પણ તેમના માટેની સાચી લાગણીથી તેમને છેક સુધી મૂકી જવા આગ્રહ કર્યો. "પોતાનો રસ્તો મનેખને પોતે જ ગોતવો પડે છે. બીજા પાહેથી ક્યાં સુધી મદદું માગીસ ભૂદેવ? આપ મૂવા વગર સ્વર્ગે નો જવાય. ગાડી રોકો. મારું થાનક આવી ગ્યું". પ્રહલાદને સમજાયું નહીં કે ત્રિલોચન ભટ્ટે એને ટોણો માર્યો કે પોતાની વાત કરી! શું એ મારી મદદની પૃચ્છાની ટીખળ કારી રહ્યા હતા? એ જે હોય તે, પણ તેમના ગાડી રોકવાના આદેશત્મક સુચનનું ઉલ્લંઘન કરવું શક્ય નથી એમ માનીને પ્રહલાદે ગાડી ત્યાંજ ઉભી રાખી દીધી. ત્રિલોચન ભટ્ટ નીચે ઉતાર્યા અને તલવાર પણ હાથમાં લીધી. "લે હાલો ત્યારે.. જય સોમનાથ" ત્રિલોચન ભટ્ટે ગાડીનો દરવાજો બંધ કરતા કરતા એક હાથ ઊંચો કરીને કહ્યું. "જય સોમનાથ" પ્રહલાદ પ્રત્યુત્તર આપીને જોતો રહ્યો. "કાલે નાટકમાં આવી જાજો. તામરે સત્ય જાણવું હસે તો સત્ય મળી જાસે ને પુરાવો જોય તો પુરાવો" એટલું બોલી અદા તો સડસડાટ ચાલવા માંડયા. પ્રહલાદને એમના વાક્યનો અર્થ હજુ સમજાય ત્યાં તો આગળ નીકળી ગયા. એક ક્ષણ જોયા પછી પ્રહલાદને યાદ આવ્યું કે કાલે નાટકમાં જવાનું સરનામું તો પૂછ્યું જ નહીં! તે તરત ગાડીમાંથી ઉતાર્યો ને રાડ પાડીને પૂછ્યું "ભુદેવ, કાલે ક્યાં આવવાનું છે એ તો કહો.." "ભટ્ટની વંડીએ આવી જાજો" સામેથી ઊંચો અવાજ આવ્યો પણ પીઠ ફેરવીને પાછળ જોયું નહીં. ઝડપથી દૂર જઈ રહેલા ત્રિલોચન ભટ્ટની આજુબાજુ કૂતરાં ભસી રહ્યા હતા પણ એ તો પોતાની નિર્વિચલિત ગતિએ સીધા સડસડાટ જઈ રહ્યા હતા. જ્યાં સુધી એ અંધારામાં અલોપ ના થયા ત્યાં સુધી પ્રહલાદ તેમને જોતો રહ્યો. "કેવું અદભુત અને નિશ્ફિકર વ્યક્તિત્વ હતું! એકવાર મને એમની કહેલી વાતોના કોઈ પુરાવા મળી જાય પછી હું અહી એમના ચરણ સ્પર્શ કરવા આવીશ" પ્રહલાદ મનોમન બબડીને ફરીથી ગાડીમાં બેઠો અને સોમનાથ જવા ઉપડ્યો. તેને ખબર નહોતી કે આખા વેરાવળમાં ભટ્ટની વંડી એ ક્યાં ગોતશે, માટે એના માટેનો સમય પણ બચાવવો પડશે.
બીજે દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને બહાર નીકળતા પ્રહલાદે પોતાના પાંચ વર્ષના દીકરા માટે એક રમકડું ખરીદ્યું અને સીધો નીકળી ગયો વેરાવળ તરફ. ઘણી તપાસ કર્યા બાદ ખબર પડી કે ભટ્ટની વંડી જુના વેરાવળની સાંકડી ગલીઓમાં આવેલી છે કે જ્યાં તેની ગાડી જઈ શકતી નથી. માટે ચાલીને એ ગલીઓમાં ઘૂસ્યો અને અંતે ભટ્ટની વંડીનો પરંપરાગત દરવાજો ખખડાવ્યો. અંદરથી એક 5-6 વરસના બાળકે દરવાજો ખોલ્યો. બાળકને જોતા જ પ્રહલાદ ચકિત થઈ ગયો. એ બાળક બિલકુલ તેના પુત્રની આબેહૂબ જોડ હોય એવું લાગતું હતું. એક ક્ષણ માટે તો પ્રહલાદને એવું લાગ્યું કે એ એનો જ પુત્ર છે. થોડી ક્ષણ તેને નિહાળ્યા બાદ તેને ઘરમાંથી કોઈ મોટાને બોલાવવા કહ્યું. અંદરથી તેની માતા લાજ કાઢતી આવી. "અહીંયા નાટક ક્યારે થવાનું છે?" પ્રહલાદે સ્વાભાવિક રીતે જ પૂછ્યું. "નાટક? કેવું નાટક? અયાં તો કોય નાટક થાતું નથ. તમે રસ્તો ભુયલા લાગો છો" ગૃહિણીનો જવાબ આવ્યો. "આ ભટ્ટની વંડી જ છે ને? અને વેરાવળમાં કોઈ બીજી ભટ્ટની વંડી તો નથી ને?" પ્રહલાદે આતુરતાથી પૂછ્યું. "હા આ ભટ્ટની વંડી જ છે અને આખા વેરાવળમાં બીજી એકેય ભટ્ટની ડેલી નથ. પણ અયાં કોયદી કોઈ નાટક થાતા નથ. તમને કોયે ખોટું કીધું લાગે છે". પ્રહલાદ નિરાશ થયો. તેને સમજાયું નહીં કે હવે શું કરવું. ત્રિલોચન ભટ્ટ ખોટું શાને બોલે? અને તેણે 'ભટ્ટની વંડી" એમ બરાબર સાંભળ્યું હતું. હવે નીરાશ થઈને પાછા જાવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. એટલે એ દરવાજા તરફ પાછો ફર્યો જ્યાં પેલો બાળક ઉભો હતો. બાળક ઉપર ફરીથી વહાલ આવતા તેણે પોતાના પુત્ર માટે લીધેલું રમકડું તે બાળકને આપી દીધું અને વહાલથી હાથ ફેરવ્યા પછી ઉભો થઈને હજુ દરવાજો ખોલી જ રહ્યો હતો ત્યાં પાછળથી ગૃહિણીનો અવાજ આવ્યો "આંય સુધી આયવા જ છો તો અયાં પગે લાગતા જાવ". પ્રહલાદે પાછળ ફરીને જોયું તો ગૃહિણી પોતાની ડાબી દિશા તરફ હાથનો ઈશારો કારી રહી હતી. પ્રહલાદે એ દિશામાં જોયું તો ત્યાં એક લંબગોળ પથ્થર જમીનમાં ઉભો ખૂંપેલો હતો. અને તેના ઉપર લખ્યું હતું "ત્રિલોચનશંકર જટાશંકર ભટ્ટ - સડસઠ યવન રાક્ષસોનો વધ કર્યો. મેહમુદ ગજનવીનું નાક કાપ્યું, ને સોમનાથ મહાદેવને કામ આવ્યા... વિ. સં. ૧૦૮૩".
*ઐતિહાસિક તથ્યોને આધારિત કાલ્પનિક કથા
** કમળપૂજાનો અર્થ થાય છે પોતાનું શીશ કાપીને શિવના ચરણોમાં અર્પણ કરવું
*** મેહમુદ ગઝનવી અને મેહમુદ ગઝની એ એક જ વ્યક્તિના નામો છે
**** સોમનાથ મંદિર ઉપર ઘણા આક્રમણો થયા જેમાંના પહેલા આક્રમણ ઉપર આધારિત આ વાર્તા છે
*** મેહમુદ ગઝનવી અને મેહમુદ ગઝની એ એક જ વ્યક્તિના નામો છે
**** સોમનાથ મંદિર ઉપર ઘણા આક્રમણો થયા જેમાંના પહેલા આક્રમણ ઉપર આધારિત આ વાર્તા છે
- Get link
- X
- Other Apps
Labels
Labels
Previous Posts
Previous Posts
Popular posts from this blog
રૂઢિપ્રયોગ - પારકી માં જ કાન વીંધે
પારકી માં જ કાન વીંધે હિન્દૂ રીત રિવાજોમાં બાળકોનાં કાન વીંધવા જરૂરી છે. આમતો દિકરી અને દીકરા બંનેના કાન વીંધવા જોઈએ, પણ પાછલા થોડા સમયથી છોકરાઓના કાન વીંધવાનો રિવાજ બંધ થઇ ગયો છે. અને હવે તો આજકાલ છોકરીઓના કાન વીંધવાને પણ "પછાત" ગણવામાં આવે છે. જોકે આ રિવાજ પાછળનું કારણ એ છે કે કાન વીંધવાથી બાળક જો તોફાની અને ચંચળ વૃત્તિનું હોય તો એ ડાહ્યું અને એકાગ્ર બુદ્ધિ વાળું થઇ જાય છે. આ કારણથી બાળકીઓ માટે આ વિધિ વિશેષ જરૂરી છે (આમતો બંને માટે થવું જોઈએ). આ રિવાજને ઉપલક્ષમાં લઈને આ કહેવત પડી છે. સગી માં પોતાના નાના બાળકનાં કાન વીંધી શક્તિ નથી માટે અગાઉના સમયમાં કોઈ દાયણને કહેવામાં આવતું હતું. કાન વીંધવાનો મૂળભૂત ઉદ્દેશ બાળકને ડાહ્યું અને સમજુ બનાવવાનો હતો, અને વળી કાનના આભૂષણો પહેરવાનો તો ખરો જ! તો આ રીતે જયારે કોઈ વ્યક્તિ પોતાને અનુકૂળ લોકોની વાત ના માનીને અયોગ્ય અથવા અણઘડ કામો કરે છે ત્યારે થાકી, હારીને તેના હિતેચ્છુઓ (અથવા તો ટીકાકારો) એમ કહે છે કે જયારે તેને શુભેચ્છકોની હૂંફ નહિ હોય ત્યારે જ એની બુદ્ધિ ઠેકાણે આવશે. આવો ભાવ પ્રગટ કરવા માટે આ કહેવત પ્રયોજવામાં આવે છે. ઉદાહરણ ૧ – “આ
કહેવત - પહેલું સુખ તે જાતે નર્યા (આખી કહેવત બીજા, ત્રીજા અને ચોથા સુખ સાથે)
પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણવંતી નાર ચોથું સુખ તે ભરેલા ભંડાર અર્થ વિસ્તાર: સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે. સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું છું કે એકથી વધુ સંતાન હોવી એ જીવનની ઉચ
કહેવત – માં તે માં બાકી બધા વગડાના વા
માં તે માં બાકી બધા વગડાના વા અર્થ વિસ્તાર: ખુબ જાણીતી આ કહેવત માં ની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમ્મે એટલું ચાહે પણ માં ની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માં ના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ માં વગરના સંતાન ને પૂછો. બાળક પાસે તેની અપર માં હોઈ શકે, ફઈ હોઈ શકે, માસી હોઈ શકે પણ સગી માં જેવો પ્રેમ અને હુફ આમાંથી કોઈ ના આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તા માં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડા ના વા એટલે કે સાવ નગણ્ય ગણી શકાય. ઉદાહરણ – “ હું ગામડેથી શહેર કાકાના ઘરે ભણવા માટે તો ગયો. કાકી મને રાખતા પણ બહુ સારી રીતે. પણ માં ની યાદ આવ્યા વિના રહેતી નહોતી. જમવામાં પણ માં ના પ્રેમની મીઠાસ નહોતી જડતી. માં તે માં બાકી બધા વગડા ના વા. ” MA TE MA BAKI BADHA VAGDA NA VA (Mother is mother - seasonal winds are other ) Arth Vistar: This well-known proverb is used to point out the paramount love of the mother. A child may find the love from their other relatives such as aunty, uncle etc. But no one comes anywhere close to the love
રૂઢિપ્રયોગ - નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન
નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન આ કેહવત પણ અગાઉ કહેલી કહેવત " મારવો તો મુઘલ " અને " મારવો તો મીર " ની સાથે અદ્દલ મળતી આવે છે. ફરક ખાલી એટલો છે કે આ કહેવત ઉચ્ચ કોટિનું અને સારા પ્રયોજન નું મહત્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે અગાઉની કહેવત કોઈ સંસ્થા કે વ્યવસ્થાના સૌથી ઉચ્ચ અને શક્તિશાળી વ્યક્તિને પડકારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ માણસ ખુબ ઊંચું અને આસાનીથી પામી ના શકાય એવું લક્ષ્ય રાખે અને ઘણા પ્રયત્નો કરવા છતાં એને મેળવી ના શકે તો એ વ્યક્તિ માફીને પાત્ર છે. આવા કિસ્સામાં જે તે વ્યક્તિનો જાજો વાંક કાઢી શકાય નહિ. પણ જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ સરળતાથી આંબી શકાય એવું લક્ષ્ય બનાવી લે તો એ અક્ષમ્ય ગણાય. ભલે પછી તે એ લક્ષ્ય પ્રાપ્ત કરે કે ના કરે. માણસે હંમેશા પોતાની જાતને સુધારતા રહી જીવનમાં સતત ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. પાછળથી ઉમેરેલ: આ ઉક્તિના લેખક શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. અહીં નીચે કમેન્ટ્સ વિભાગમાં એક પ્રતિભાવક દ્વારા આ માહિતી મળી છે જેનો હું આભાર માનું છું. ઉદાહરણ 1 - " બેટા તું આજે પાસ થઇ ગયો છતાં હું ત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચેનો તફાવત
કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે ફેર શું છે? સામાન્ય રીતે લોકો કહેવતો અને રુઢિપ્રયોગો વચ્ચે બહુ ગડબડ કરતા હોય છે. મોટેભાગે બંને માટે 'કહેવતો' શબ્દનો જ ઉપયોગ થાય છે. પણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે જે નીચે પ્રમાણે છે. કહેવતનો ઉપયોગ ત્યારે કરાય છે કે જયારે એ વાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થ એકજ હોય. અર્થાત જે ખરા અર્થમાં કહેવું હોય એ જ વાક્ય પ્રયોગ દ્વારા કહેવાય છે. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને અલંકારિક બનાવે છે કે જેથી કહેનાર ચોટદાર શબ્દો દ્વારા પોતાનો ભાવાર્થ રજુ કરી શકે. આ વાક્યનો શબ્દાર્થ લેવાની બદલે એ જે સંદર્ભમાં પ્રયોજાયેલો હોય તે અર્થ લેવાનો હોય છે. કહેવતના ઉદાહરણો કે જેમાં શબ્દાર્થ અને ભાવાર્થ એકજ છે - " સાકર વિના મોળો સંસાર, માં વિના સુનો સંસાર ", " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ", " દુકાન સાંકળી ને ઘર મોકળું હોવું જોઈએ " રૂઢિપ્રયોગના ઉદાહરણો કે જેમાં ભાવાર્થ શબ્દસહઃ ના લઈને વાક્યના સંદર્ભમાં લેવામાં આવે છે - " દૂરથી ડુંગર રળિયામણા ", " ધરમ કરતાં ધાડ પડી ", " માંગીને ખાવું ને એ પણ ગરમ " વધુ કહેવતો માટે અહીં ક
કહેવત - બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા
બારે બુદ્ધિ, સોળે સાન, ને વિસે વાન - આવ્યા તો આવ્યા નહીતર ગયા આ કેહવત પ્રમાણે માણસને બાર વર્ષે બુદ્ધિ આવી જવી જોઈએ. સાન એટલે કે શાણપણ સોળ વર્ષે અને વાન એટલે કે પુરા રંગ રૂપ વીસ વર્ષે આવી જ જવા જોઈએ. જો ના આવે તો એ ક્યારે આવે એ કહી શકાય નહિ. સમાજ માં નજર નાખતા આ કહેવત ઘણે અંશે સાચી લાગે છે. બાર વર્ષ વટાવી ચુકેલ કિશોરને બાળક ના કહી શકાય કારણ કે એની બુદ્ધિ નો હવે સારો એવો વિકાસ થઇ ગયો હોય છે. સોળ વર્ષનો તરુણ સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે. અને વીસ વર્ષે એ તરુણ પુરો યુવાન કે યુવતી બની જાય છે અને એ સમયે તે તેના રૂપની ચરમ સીમાની નજીક હોય છે. પરંતુ સમાજ માં ઘણા એવા લોકો આપણેં જોઈએ છીએ કે જેમની સારી એવી ઉમર થઇ જવા છતાં આ બધા ગુણોને પામ્યા ના હોય. ઉદાહરણ - " કરસનભાઈના બંને દીકરાઓ મોટા ઢાંઢા જેવડા થઇ ગયા તોયે નથી અક્કલના ઠેકાણા કે નથી રંગરૂપ ના ઠેકાણા. બારે બુદ્ધિ, સોળે સાન ને વિસે વન - આવ્યા તો આવ્યા નહીતર ગયા. કોણ જાણે શુ કરશે એ બંને જીવનમાં જીવનમાં. " BARE BUDHDHI, SOLE SAN NE VISE VAN - AAVYA TO AAVYA NAHITAR GAYA (Intelligence at twelve, sanity at
રૂઢિપ્રયોગ - મોરના ઈંડા ચીતરવા ના પડે
મોરના ઈંડા ચીતરવા ના પડે અર્થ વિસ્તાર: માતા-પિતાના સ્વભાવ, લક્ષણો, પ્રતિભા અને ગમા-અણગમાનો પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના કર્મોનો પ્રભાવ પણ સંતાનોના લક્ષણો ઉપર ઊંડી રીતે પડતો હોય છે. શાસ્ત્રોના મતે તો સંતાન સુખ એ પિતૃઓની જ કૃપા કે કોપનું પરિણામ હોય છે. આથી જયારે સંતાનો ખુબ પ્રતિભાશાળી નીવડતી હોય છે ત્યારે હંમેશા તેમના માતા-પિતાના ઉછેરના વખાણ થતા હોય છે. અને જો સંતાન તેમના માતા-પિતા અને પૂર્વજોના સુમાર્ગે જ ચાલે, અને તેમના જ ક્ષેત્રમાં કાઠું કાઢે તો તેમનો અને તેમના માતા-પિતાનો પરિચય એકસાથે ચોટદાર રીતે આપવા માટે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. મોરના ઈંડામાં જયારે બચ્ચા આવે છે ત્યારે કોઈ એની અંદર રંગો પુરવા નથી જતું. એ મોરના બચ્ચા છે એ એકમાત્ર કારણથી તે મોટા થઈને રંગબેરંગી જ થવાના છે એ નક્કી જ છે. રંગબેરંગી અને કલાત્મક હોવું એ મોરની પ્રજાતિનો સ્વભાવ છે, એ જ રીતે પ્રતિભાસભર માતા-પિતાના સંતાનો પણ પ્રતિભાસભર નીવડે એમાં કોઈને આશ્ચર્ય થવું ના જોઈએ. નોંધ: આરૂ ઢિપ્રયોગ આમ તો " બાપ એવા બીટા અને વડ એવા ટેટા " કહેવતને ખુબજમળતો આવે છે. પણ અહીં એક પાયાનો તફાવત છે
રૂઢિપ્રયોગ - ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી
ભેંસ ભાગોળે ને છાસ છાગોડે - ને ઘરમાં ધબા-ધબી છાસ છાગોડવા - એટલે કે વલોવીને ઉપર ફીણ ફીણ બનાવવા - માટે પહેલા મલાઈ બનવી જરૂરી છે. મલાઈ બનવા માટે પહેલા દૂધ હોવું જરૂરી છે. દૂધ દોહવા માટે પહેલા ભેંસ હોવી જરૂરી છે. અને ભેંસ દૂધ આપે એ પહેલા તેને "ભાગોળે" (ગામના છેડે કે જ્યાં ગૌચર જમીન હોય છે) જઈને ઘાંસ ખાવું પડે. જો હજુ ભેંસ ભાગોળે જ હોય અને અહીં કોઈ સીધી છાસ છાગોળવાની વાત કરે તો એ કેટલી હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે! આવી જ પરિસ્થિતિ માટે આ કહેવત વપરાય છે. જ્યારે કોઈ મોટા ફાયદાની બહુ દૂરની શક્યતા હોય, છતાં તે સંભવિત ફાયદો મેળવનાર વ્યક્તિ જાણે હાલમાં ફાયદો મળી જ ગયો છે એવી વર્તણૂક કરતો હોય અને ઘરમાં કે જાહેરમાં ખૂબ ઉછળતો હોય (એટલે કે ધબા-ધબી કરતો હોય) ત્યારે આ કહેવાતનું પ્રયોજન થાય છે. ઉદાહરણ ૧ – “ભાઈ હજુ તો લોટરી ની ટિકિટ લઈને આવ્યો છે. બે દિવસ પછી લોટરીનું પરિણામ જાહેર થવાનું છે, પણ જાણે તેને જ લોટરી લાગી ગઈ હોય એમ અત્યારથી ખર્ચ કરવા માંડ્યો છે. ભેંસ ભાગોળે ને છાસ છાગોડે, ને ઘરમાં ધબા-ધબી" ઉદાહરણ ૨ – “એનો છોકરો હજુ પાંચમા ધોરણમાં ભણે છે. આમતો બહુ હોશિયાર છે પણ એનો બાપ
રૂઢિપ્રયોગ - દૂરથી ડુંગર રળિયામણાં
દૂરથી ડુંગર રળિયામણાં અર્થ વિસ્તાર: ઘણી વાર લોકોને બીજાઓની પરિસ્થિતિ પોતાની પરિસ્થિતિ કરતાં સારી લગતી હોય છે અને ઇચ્છતા હોય છે કે જો પોતે એ પરિસ્થિતિમાં હોત તો કેટલું સારું હતું! આમ તેઓ એટલા માટે વિચારતા હોય છે કારણકે તેઓ પોતાની બધી તકલીફો જાણતા હોય છે, પણ સામે વળી વ્યક્તિને કઈ તકલીફો છે, અથવા તો કઈ તકલીફો સહન કરીને એ પોતાની આ સારી પરિસ્થિતિમાં પહોંચ્યો છે એ જાણતા નથી. આવા સમયે આ કહેવત પ્રયોજાય છે. ડુંગરો દૂરથી બહુ લીલાછમ અને મનમોહક લાગે છે. પણ જયારે ત્યાં જઈએ ત્યારે જ ખ્યાલ આવે છે કે એ ચડવો કેટલો અઘરો છે અને કેટલા કંકર પથ્થર રસ્તામાં આવે છે. આવી જ હિન્દીમાં પણ એક કહેવત છે.. "દૂર કે ઢોલ સુહાવને". ઉદાહરણ ૧ – “મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કર્મચારીઓને થાય છે કે સેલ્સ વાળાઓને કેટલું સારું. ખાલી બોલી બોલીને પૈસા કમાઈ લેવાના. આપણે તો સખત મહેનત કરીને ઉત્પાદન કરવું પડે છે. પણ એ લોકો જાણતા નથી કે દૂરથી ડુંગર રળિયામણા. સેલ્સ વાળાઓને એક એક કોન્ટ્રાકટ કરતા આંખે પાણી આવી જાય છે.” ઉદાહરણ ૨ – “મહેશને એમ થાય છે કે સુરેશનું જીવન ખુબ સારું છે કારણકે એની પત્ની પણ કમાય છે. પણ એ બધું દૂરથી ડુંગર
રૂઢિપ્રયોગ - મન હોય તો માળવે જવાય
મન હોય તો માળવે જવાય અર્થ વિસ્તાર: અંગ્રેજીમાં કહેવાય છે કે Where There Is A Will There Is A Way. આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. પણ જો 'કામ અઘરું છે' એમ વિચારીને નિરાશ થઈને બેસી રહે તો કશું થતું નથી. દુર્ભાગ્યથી માણસોની મોટાભાગની મર્યાદાઓ તેમના દ્વારા જ તેમની પોતાની ઉપર થોપવામાં આવી હોય છે. બાકી મનુષ્યમાં અમર્યાદ શક્તિઓ રહેલી હોય છે. આખરે શા માટે સંસારમાં અમુક લોકો ખુબ સફળ હોય છે અને અમુક લોકોનું જીવન અત્યંત સાધારણ રહેતું હોય છે? એનું કારણ ઈચ્છાશક્તિનો તફાવત જ હોય છે. આમ પણ, જો મન વગર કરવામાં આવે તો ગમે તેટલું સહેલું કામ પણ સારી રીતે થઇ શકતું નથી. આ વિષે પણ એક કહેવત છે - " મારીને માંચડે ચડાવે તો ગોફણ ગામ ભણી જ ફેંકાય ". ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખુબ દૂર છે. અગાઉ લાંબા પ્રવાસ માટેના સંસાધનો ખાસ હતા નહિ. માટે વેપાર કે અન્ય અર્થે મેવાળ જવા માટે લોકો અપંગતા અનુભવતા હતા. પણ જેઓ ખરેખર સાહસિક વૃત્તિના હોતા, એ લોકો માળવે જવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ લેતા હતા. આ પરથી જ આ રૂઢિપ્રયોગ
Comments
Post a Comment